
અમદાવાદ જીએમડીસી હોલ આયોજીત વિરોધ પ્રદર્શનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે ઉમટેલી જનમેદનીને સંબોધન કરતાં જણાવ્યું હતું

કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતૃત્વ રાહુલ ગાંધી પર ખોટા ઈડીના સમન્સના વિરોધમાં અમદાવાદ જીએમડીસી હોલ આયોજીત વિરોધ પ્રદર્શનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે ઉમટેલી જનમેદનીને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપને માત્ર ૭૦ બેઠક મળશે તેવા આંતરિક સર્વેથી ગભરાયેલ, બઘવાઈ ગયેલ ભાજપ કોંગ્રેસ પક્ષના નેતાઓ ઉપર પોલીસ બળનો ઉપયોગ કરી રહી છે અને ડરનો માહોલ ઉભો કરવાનો પ્રયાસ કરી રહી છે. ખેડૂત આંદોલન ન કરે, બેરોજગાર આંદોલન ન કરે, મહિલાઓ આંદોલન ન કરે, કર્મચારીઓ પોતાના હક્ક અધિકાર માટે બહાર ન આવે તે માટે વારંવાર પોલીસ તંત્રનો દુરુપયોગ કરી ભાજપ જનતાનો અવાજ દબાવવાનો પ્રયાસ કરે છે પરંતુ કોંગ્રેસ મજબુતાઈથી જનતાનો અવાજ રજુ કરશે. સત્યને દબાવી શકાતુ નથી, ઝુકાવી શકાતુ નથી.રાહુલ ગાંધી સામાન્ય – મધ્યમવર્ગ, શોષિત – વંચિત, ગરીબ, ખેડૂતો, દલિત સહિતના લોકોનો અવાજ મજબુતાઈથી ઉઠાવતા રહ્યાં છે. કોંગ્રેસ પક્ષના આગેવાન – નેતા વિરૂદ્ધ સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરતી ભાજપથી કોંગ્રેસ પક્ષ ના ડરશે, ના ઝુકશે, ના દબાશે, તે ફક્ત સત્યના રસ્તે ચાલી ભાજપના તમામ પ્રયાસોને વિફળ કરશે.